ગઝલ–ભાવેશ
– ભાવેશ ભટ્ટ –
(૧)
ચીંતા કરવાની મેં છોડી,
જેવું પાણી એવી હોડી !
ટુકડા શોધું અજવાળાના,
કોણે મારી સવાર તોડી ?
ચોક્કસ ઘટના જેવો છું હું,
તું આવે છે વ્હેલી–મોડી.
બારી એવાં દૃશ્ય બતાવે,
ભીંતો કરતી દોડા–દોડી.
એક જનમની વાત નથી આ,
કાયમની છે માથાફોડી.
(૨)
એવા થાકીને ઘર આવ્યા,
પડછાયાને ચક્કર આવ્યા.
કેમ સમયજી ખુશ લાગો છો ?
કોને મારી ટક્કર આવ્યા ?
કૈંક લખ્યું જ્યાં તારા માટે,
આંસુ જેવા અક્ષર આવ્યા.
છેક નદીની વચ્ચે પહોંચ્યા,
આજ કીનારા વટ પર આવ્યા.
બસ દુનીયાનાં દ્વારે બેઠા,
બ્હાર ગયા ના અંદર આવ્યા.
(૩)
છીદ્રવાળું વહાણ છે તો છે,
પાણીને એની જાણ છે તો છે.
એ ભલે ફૂલછાબ જેવો છે,
પણ ફૂલોથી અજાણ છે તો છે.
કામ બીજું હવે રહ્યું ક્યાં ?
શ્વાસની ખેંચતાણ છે તો છે.
હું દીવસને નથી મળ્યો ક્યારેય,
કોઈને ઓળખાણ છે તો છે.
જેવું જીવ્યા છીએ લખ્યું એવું,
સાવ નબળું લખાણ છે તો છે.
(૪)
સૌ મીલન ભડકે બળે તારા વગર,
તું મને કાયમ મળે તારા વગર.
મેં પછી આકાર લઈ લીધો હતો,
કોણ પાછું ઓગળે તારા વગર ?
તું નદી છે કે નથી કોને ખબર ?
તોય દરિયો ખળભળે તારા વગર !
કોણ આ મારી ભીતરથી નીકળી ?
કોણ આ પાછું વળે તારા વગર ?
હું ન ગરજું ન વરસું કૈં જ નહી,
જીદ પકડી વાદળે તારા વગર !
(૫)
સૌ દીશા મળશે નવી જો તો ખરો,
આ હકીકત ગોઠવી જો તો ખરો.
કોઈ પ્રકરણ ક્યાંક સારું આવશે,
એક પાનું ફેરવી જો તો ખરો.
જીંદગીમાં એક અજવાળું થશે,
તું અતીતને ઓલવી જો તો ખરો.
હર જગા આકાશ જેવી લાગશે,
એક પીંછું સાચવી જો તો ખરો.
તું પછી ભગવાનગીરી નહીં કરે,
મારું જીવન ભોગવી જો તો ખરો.
(૬)
જીંદગીના શું ખુલાસા થઈ શકે ?
આપણાથી તો તમાશા થઈ શકે !
જે જગતની ખાસ વાતો હોય છે,
કોઈના માટે બગાસાં થઈ શકે.
એક ટીપું પણ કરી દે તરબતર,
એક દરીયાથી નીરાશા થઈ શકે !
માન કે ના માન પણ સાચું કહું,
આ નદી પર્વતની ભાષા થઈ શકે.
હું અને મારી ગઝલથી શું થાય ?
એકબીજાના દીલાસા થઈ શકે !
(૭)
થઈ રહ્યું છે શું કશું જાણે જ નહીં ?
તો પછી આવો ખુદા ચાલે જ નહીં !
મેં કહ્યું આકાશની સોબત ન કર,
પણ અગાશી વાતને માને જ નહીં.
વૃક્ષની હું વારતા વાંચું અને,
વારતામાં પંખી આવે જ નહીં.
જીંદગીભર એટલે તપતા રહ્યા,
છાંયડાને છાંયડો ફાવે જ નહીં.
(૮)
વૃક્ષના ફતવા તરત માની લીધા,
મેં બધાં પંખીને સમજાવી લીધાં.
રહી ગયું હોવાપણું બસ નામનું,
તે સૂરજમાંથી કીરણ કાઢી લીધાં.
બસ હવે પાછાં જવું છે ઘર તરફ,
બહુ પડીકાં દૃશ્યનાં વાળી લીધાં.
એ ઉઝરડાઓથી કંટાળી ગયો,
તો હવાના નખ બધા કાપી લીધા.
છાંયડા–તડકાને જ્યાં ભેગા કર્યા,
સૌ રહસ્યો શ્વાસનાં જાણી લીધાં.
(૯)
જાવ આકાશનું અખબાર લઈને આવો,
સૂર્યના કૈંક સમાચાર લઈને આવો.
આવડે છે એને બસ મારી નકલ કરવાનું,
આયનો કઈ સમજદાર લઈને આવો.
આ દીવાનું ગળું અંધારાં દબાવી દેશે,
વીજળીના કોઈ ઝબકાર લઈને આવો.
માંગવાની મને આદત છે, તો હું માંગુ છું,
કૈં જ ના હોય તો ધીક્કાર લઈને આવો.
મારી અંદર તો ઘણાં વૃક્ષ ઉગાડ્યાં છે મેં,
કોઈ ટહુકાનો પુરસ્કાર લઈને આવો.
લઘુકાવ્યો
(૧)
ટીકીટ લીધા વગર,
એક માણસ
ટ્રેનના પાટા પર સુઈ ગયો,
ક્યાંનો ક્યાં પ્હોંચી ગયો..!
(૨)
કોઈ સારો કમ્પ્યુટર એન્જીનીયર
ધ્યાનમાં હોય તો કહેજો,
જેટલી વાર માણસ ડૉટકૉમ
ઍન્ટર કરું છું;
કમ્પ્યુટર હૅન્ગ થઈ જાય છે...!
(૩)
રસ્તા પર બેવડ વળી ગયેલા
વૃક્ષને જોઈ બાળકે પુછ્યું,
‘કેમ અંગુઠા પકડીને ઉભું છે ?
તેં લેસન ન્હોતું કર્યું ?’
(૪)
બુટ–પૉલીશની થેલી
ખભે લટકાવી
રસ્તા પર ફરતા બાળકની
ખરબચડી નજરમાં
દરેક વસ્તુ ચમકતી હતી.
* * *
* ભાવેશ ભટ્ટ *
♦ કવીસંપર્કઃ ભાવેશ, ભટ્ટ બી–6, ચીત્રકુટ એપાર્ટમેન્ટ્સ–2, દેવાશીષ સ્કુલની સામે, બોડકદેવ, અમદાવાદ–380 054 ઈ–મેઈલઃbhaveshbhatt000@rediffmail.com
મોબાઈલ – 92274 50244
કવીનો ગઝલસંગ્રહઃ ‘છે તો છે...’ (પ્રકાશકઃપોતે, વીતરકઃ નવભારત સાહીત્ય મંદીર, અમદાવાદ–380 001. પ્રથમ આવૃત્તી, મે–2008, કીંમત રુપીયા– 50)
(‘સન્ડે ઈ–મહેફીલ’ના આ ગઝલ–અંકના અતીથી સંપાદક અને સંકલનકાર સુરતના યુવાગઝલકાર ભાઈ શ્રી ગૌરાંગ ઠાકર (gaurang_charu@yahoo.com )નો ખુબ ખુબ આભાર..... ઉત્તમ ગજ્જર..)
♦●♦●♦
‘સન્ડે ઈ–મહેફીલ’ – વર્ષઃ ચોથું – અંકઃ 163 – April 12, 2009
‘ઉંઝાજોડણી’માં અને ‘શ્રુતી’ ફોન્ટમાં સાભાર અક્ષરાંકનઃ શ્રી સુનીલ શાહ sunilshah101@gmail.com
♦●♦●♦
‘ભગવદ્ગોમંડળ’
મિત્રો,
‘ભગવદ્ગોમંડળ’ www.bhagwadgomandal.com ના અમારા કામને આપ સૌ તરફથી જે ઉષ્માભર્યો આવકાર સાંપડ્યો છે તેથી અમે આનંદિત થયા છીએ અને અમને વધારે પ્રયત્નશીલ થવા તેણે પ્રોત્સાહિત કર્યા છે..તમે પાઠવેલાં સુચનો અને અમને મળેલી વિવિધ જાણકારીની પણ અમે સહર્ષ નોંધ લીધી છે..
ઘણા મિત્રોએ ‘ભગવદ્ગોમંડળ’ની સીડી અંગે પૃચ્છા કરી છે. અમે તેની સીડી માટે જ હાલ પ્રવૃત્ત છીએ અને અલ્પ સમયમાં જ અમે તેની સીડી પણ તમને પાઠવી શકીશું એવી અમને શ્રદ્ધા છે..
‘ગુજરાતીલૅક્સિકોન’ http://www.gujaratilexicon.com/
CTRL + Click to follow link" http://www.gujaratilexicon.com/ ની 21,10,000થીયે વધારે મુલાકાતીઓની મુલાકાત, અમારા ઉત્સાહમાં વધારો કરે છે.
‘જય ગુજરાતી !’
♦●♦●♦
કવીતા
‘મુશાયરો એ કવીતાનું બજાર છે. ત્યાં બહારથી ઉગેલો અને તૈયાર થઈ આવેલો માલ રજુ કરાય છે. તેની ત્યાં કદર થાય છે, પ્રશંસા થાય છે, કસોટી થાય છે. પણ ત્યાં તે માલ તો ઉગી શકતો જ નથી ! કવીતાનો જન્મ કઈ રીતે થાય છે એ સમજાવવું જરા મુશ્કેલ છે. પણ કઈ રીતે નથી થતો તે બહુ સ્પષ્ટ વાત છે. ઉચ્ચ કવીતા બહારની માગણીથી કદી જન્મતી નથી. અરે ! ખુદ કવીની પોતાની ઈચ્છાથી પણ તે જન્મતી નથી. જેણે કવીતાની પ્રેરણા ઝીલી હશે તેને માટે આ વાત સમજવી સહેલી છે. એ તો એનું અંતઃકરણ અથવા એની ગુઢ સર્જનશક્તી જ્યારે સળવળે છે, જાગે છે, ક્ષોભ પામે છે કે પ્રફુલ્લીત બને છે ત્યારે છલકાઈ પડે છે. સાચી કવીતા આવી રીતે લખાય છે.’
–સુન્દરમ્
‘મુસ્લીમ ગુજરાત સાહીત્ય મંડળ’ દ્વારા ડભોઈમાં યોજાયેલા મુશાયરામાં પ્રમુખપદેથી.. સાભાર.....
♦●♦●♦
‘સન્ડે ઈ–મહેફીલ’ – વર્ષઃ ચોથું – અંકઃ 163 – April 12, 2009
‘ઉંઝાજોડણી’માં અને ‘શ્રુતી’ ફોન્ટમાં સાભાર અક્ષરાંકનઃ શ્રી સુનીલ શાહ sunilshah101@gmail.com
Œ Œ Œ
તા. ૩ એપ્રિલ, ૨૦૦૯ના દિને અમદાવાદમાં મળેલી પ્રેસ કૉન્ફરન્સ સમક્ષ શ્રી. ધીરુબહેન પટેલે આપેલું પ્રવચન
રામનવમી,
કોઈ પણ યજ્ઞકાર્યની શરૂઆત 'અહં કરિષ્યે' એ શબ્દોથી થાય છે. એમાં દૃઢ નિશ્ચય, અડગ પુરુષાર્થ અને ધ્યેયનિષ્ઠાનું બળ હોય છે. એનાથી પ્રેરાયેલો મનુષ્ય આડુંઅવળું જોયા વગર એકધારા ઉત્સાહથી આગળ વધે છે. વિઘ્નો એને રોકી શકતાં નથી, ટીકાકારોના ઉપાલંભ કે કટાક્ષની એને કશી અસર થતી નથી, કોઈ પણ પ્રલોભનો એની ગતિ રોકવા સમર્થ નથી હોતાં અને આખરે એક એવી અમૂલ્ય ક્ષણ આવે છે જ્યારે આ આખા આયામનો કર્તા આપમેળે અટકી જાય છે,એ જુએ છે કે કરવા ધારેલું કાર્ય પૂરું થઈ ગયું છે.
એ વખતે એના મનની સ્થિતિ કેવી હોય? અહંકારની, અવસાદની, ખાલીપાની કે હર્ષની ? મૂળે એ માણસ કેવો છે એની પરીક્ષા એ પળે થાય છે. શું એ સમગ્ર પરિસ્થિતિનું અવલોકન કરીને હળવે હૈયે આકાશ સામે હાથ જોડે છે ? આસન પરથી ઊઠતી વેળાએ સંપૂર્ણ કૃતકૃત્યતાના આનંદ સાથે ઇશ્વરને કહી શકે છે કે 'ઇદં ન મમ'? તે વખતે એને પૂછો કે, ભાઈ, આ તારું નથી તો કોનું છે ? ઘણા વપરાશથી લિસ્સા પડી ગયેલા સિક્કા જેવો એક જ શબ્દ યાદ આવે છે - 'જનતાજનાર્દન' ! હા, એ જ બરાબર છે. જે અંતર્યામી માત્ર મારા કે તમારા ખોળિયામાં કેદ નથી રહેવાનો, જે ઘટ ઘટમાં રમે છે, જેની આ બધી લીલા છે,તેની જ પ્રીતિ અર્થે આ કાર્ય શરૂ થયું હતું, એ સંપન્ન થતી વેળાએ તેને જ અર્પણ કરવામાં ઔચિત્ય છે. માલિકીપણાનો લેશમાત્ર ભાવ ક્યાંય ચોંટી ન રહે એટલા માટે હાથ ખંખેરીને ઊભા થઈ જવાનું છે. પરમ વૈરાગ્યની આ ક્ષણ છે અને એ જ ક્ષણ પરમ આનંદની પણ છે.
ખરેખર ખુશનસીબ હોય તેને જ આખા આવરદામાં આ બે ઉક્તિઓ ઉચ્ચારવાનો લાભ મળે. આગલી કરતાં પાછલી વધારે મુશ્કેલ છે. 'હું કરીશ' એમ કહેવાનું તો ઘણા બધાને ઘણી બધી વાર મન થાય. પણ એ જાતને આપેલું વચન પરિપૂર્ણ કરનારા કેટલા ? 'સારા કામમાં સો વિઘ્ન' એ કહેવત કંઈ અમથી નહીં પડી હોય. બાહ્ય સંજોગો જેટલી જ આંતરિક નબળાઈઓ પણ નડે. એવા વિરલા કેટલા જે 'કાર્ય સાધયામિ વા દેહં પાતયામિ' એવા મુદ્રાલેખ સાથે આગળ વધે અને મનમાં ધારેલું તે પૂરું કરીને જ જંપે? એવી સ્વનામધન્ય વ્યક્તિઓ જ્યારે જ્યારે મળે ત્યારે આપણું શિર આદરથી ઝૂકી જાય.
પણ પેલી બીજી વાત ? 'ઇદં ન મમ' સરળતાથી બોલી શકનાર તો લાખોમાં એક હોય. કારણ કે માનવ સ્વભાવ જ એવો છે કે પોતાનાં પરાક્રમોમાં, પોતાની સિદ્ધિમાં રાચવું સૌને ગમે. વળી વળીને સિંહની માફક પાછું વાળીને જોવું અને પોતે કરેલાં અતિ મુશ્કેલ કામો યાદ કરીને, 'જોયું ? આ બધું મેં કર્યું. બીજું કોઈ કરી શકે કંઈ? ' એવા અભિમાનમાં ખોવાઈ જવું એ કેટલું બધું સરળ છે ? કેટલું આનંદદાયક છે ? આ પ્રલોભનને વશ ન થતાં પોતાની બધી સિદ્ધિઓ સાચા મનથી ઇશ્વરાર્પણ કરી દેવી એ કંઈ ઓછું પરાક્રમ નથી. ફરક એટલો છે કે આ ગુપ્ત મનોભાવ આપણે એકલા જ જાણીએ જ્યારે પેલાં પહેલાંનાં પરાક્રમો જગજાહેર હોય.
આજનો દિવસ આપણે સૌને માટે સ્મરણીય બની રહેવાનો. એટલા માટે નહીં કે આજે રામવનમી છે. જો કે રામ તો તમામ ભારતવાસીઓના આરાધ્ય દેવ છે, ભલે તેઓ ગમે તે ધર્મ પાળતા હોય. કારણ કે રામ એટલે સત્યનું મૂર્તિમંત સ્વરૂપ, રામ એટલે ન્યાયના કઠોર માર્ગ પર જરાયે વિચલિત ન થતાં પંથ કાપનાર ચિરપ્રવાસી, રામ એટલે કર્તવ્યનો મર્મ સમજનાર અને મર્યાદાનું સદૈવ પાલન કરનાર રાજવી- જોજો, આ દશરથપુત્ર રામના જીવનપ્રસંગો ઇતિહાસનું કે પુરાણનું કલેવર ધારણ કરીને આવે તેથી ભરમાશો નહીં, દરેકના હૃદયમાં જે રામ વસેલો છે, જે હંમેશાં આપણી રક્ષા કરે છે. શું કરવા યોગ્ય અને શું નહીં કરવા યોગ્ય તેનું માર્ગદર્શન કરે છે, અને જીવનના અંતકાળે પણ સ્મરણમાત્રથી હાજર થઈ આપણા સમસ્ત ભયનો નાશ કરે છે તે રામની હું વાત કરું છું. એના પાર્થિવ દેહની કે એના કર્ણોપકર્ણ ઊતરી આવેલા ઇતિહાસની આપણે શી લેવાદેવા ? પ્રત્યેક મનુષ્ય સમજે છે કે શું સારું ને શું ખોટું. બસ, એને એ સમજાવનાર શક્તિ તે રામ- એનો આપણને ક્ષણભર પણ વિયોગ ન થજો. ભલે આપણે કોઈ પણ સંપ્રદાયના હોઈએ.
હં, આજનો દિવસ જો રામને કારણે વિશિષ્ટ ન ગણવાનો હોય તો પછી શા કારણે હું એને સ્મરણીય કહું છું? ફક્ત એટલા માટે કે આપણે સૌ એક અત્યંત કલ્યાણકારી પ્રસંગના સાક્ષી બનવાના છીએ- કર્મશીલ, કર્મવીર, કર્મયોગી શ્રી રતિલાલ પ્રેમચંદ ચંદરયા આજે 'ઇદં ન મમ' કહીને ‘ભગવદ્ગોમંડલ’ના બે લાખ એક્યાંસી હજાર ત્રણસો સિત્તોતેર શબ્દોને, તેમના આઠ લાખ એકવીસ હજાર આઠસો બત્રીસ અર્થો સાથે, અઠ્યાવીસ હજાર એકસો છપ્પન રૂઢિપ્રયોગો સહિત,કાગળના પિંજરમાંથી મુક્ત કરીને ગગનગામી બનાવવાના તેમના ભવ્ય પુરુષાર્થનું લોકાર્પણ કરવાના છે. આ મંગળ ક્ષણ મારી વહાલી ગુજરાતી ભાષાના ઇતિહાસમાં સદા ઝળહળતી રહેશે. આ શ્રીમાન રતિલાલ ચંદરયા કોઈ ભાષાશાસ્ત્રી છે ? પંડિત છે ? પ્રોફેસર છે ? ના રે, એ તો એક સીધાસાદા વ્યાપારી કે ઉદ્યોગપતિ છે. એમને આ બધી ઉધમાત કરવાની ન તો કોઈ જવાબદારી હતી કે નહોતી જરૂર. એમણે પાંસઠ દેશોમાં ઔદ્યોગિક પ્રગતિ સાધી. ભારતીય વિદ્યા ભવન જેવી વિધવિધ સામાજિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી સંસ્થાઓમાં જુદા જુદા હોદ્દા પરથી કામ કર્યું. બસ ને ? એક માણસ પોતાની જિંદગીમાં જેટલું કામ કરી શકે તેનાથી ક્યાંય વિશેષ કર્યું. એટલેથી સંતોષ ન થવો જોઈએ ? ન થયો. ક્યાંથી થાય ? પોતાની માતૃભાષા પરના અનહદ પ્રેમથી પિડાતા આ સજ્જનને રાત-દિવસ એક જ ચિંતા કોરી ખાતી હતી. વિદેશોમાં વસતાં ગુજરાતી કુટુંબોની આગામી પેઢી પોતાની ભાષા ખોઈ બેસશે તો ? એટલું જ નહીં; ભારતનાં મોટાં શહેરોમાં વસતા ગુજરાતીઓનાં બાળકો પણ અંગ્રેજી માધ્યમને પ્રતાપે પોતાની માતૃભાષાથી વિમુખ થતાં જાય છે એને આપણા દુર્ભાગ્યે એમનાં માતાપિતાને આ ઘટના દુ:ખમય નહીં પણ ગૌરવપ્રદ લાગે છે ! આ રીતે ગુજરાતી ભાષા કેમ ટકશે ? ભાષા જતાં આપણા સાંસ્કૃતિક વારસાનો લોપ થશે. આપણું ગુજરાતીપણું શોધ્યું નહિ જડે. આ કેમ ચલાવી લેવાય ? હૃદયને એક ખૂણે સતત જલતી રહેતી આ ચિનગારીને ઠારવાનો ઉપાય એમણે શોધી કાઢ્યો. એક વિદ્વાનની નજરે નહીં, એક બાહોશ ઉદ્યોગપતિની નજરે. એમણે કાળનાં એંધાણ પારખ્યાં. કાગળ કલમનો જમાનો હવે આથમતો જાય છે. આવતી કાલ ઇન્ટરનેટની છે. ગુજરાતી ભાષાને આ પવનની પાંખે ઉડાડીએ તો જ એ જીવશે. પરદેશમાં રહેતા ગુજરાતીઓ પુસ્તકો નહીં, કમ્પ્યૂટર વસાવશે તેમનાં બાળકો એના સતત સહવાસમાં રહેશે, રમતાં રમતાં ગુજરાતી શીખી જશે, વાપરશે, એનાથી રમશે, ધીરેધીરે એના સાહિત્યના ખજાના ખોલશે અને પરિચિત થશે.
પણ એ માટે કોઈકે તો પહેલ કરવી જોઈશે ને ? 'અહં કરિષ્યે' કહીને રતિલાલભાઈએ સ્વેચ્છાએ આ જંગ વ્હોરી લીધો - સાક્ષરોનો સહકાર મેળવવામાં મુશ્કેલીઓ નડી. નિ:શબ્દ પગલે નિકટ આવતી જરાવસ્થાએ એમની તકલીફોમાં ઉમેરો કર્યો. છતાં એ ડગ્યા નહીં. હિંમત હાર્યા નહીં. આખરે પચીસ વરસના એકધારા પરિશ્રમના ફળ રૂપે ૨૦૦૬માં ગુજરાતી લૅક્સિકોનનું સ્વપ્નું સાકાર થયું. અંગ્રેજીમાં જ વાત કરતાં બાળકો પોતાને જોઈતો ગુજરાતી પર્યાય શોધી શકે, ગુજરાતીના અઘરા શબ્દોના પર્યાય શોધી શકે, ગુજરાતી શબ્દનો અંગ્રેજી દેહ કયો તે જાણી શકે, આ બધું શક્ય બન્યું. જે ભાષા બોલવાનું હજુ પ્રભુકૃપાએ શક્ય રહ્યું હતું તેને લખવા વાંચવાનું પણ શક્ય બન્યું. આ બધા રૂડા પ્રતાપ એક ઉદ્યોગપતિના દિલમાં જાગેલી પીડાના.
પણ કહેવત છે ને ? કામ કામને શીખવે કે કામ કામને તાણી લાવે ? આટલું થયા બાદ વધારે દૂરની ક્ષિતિજો દેખાવા માંડી. "સાર્થ જોડણીકોશ"નો સમાવેશ વિદ્યાપીઠના સહકારને લીધે શક્ય બન્યો. પણ મોટા ઉધોગપતિને જેમ વ્યાપારમાં તેમ જ જ્ઞાનાર્જનમાં - નજર લાંબે જ દોડે 'ભગવદ્ગોમંડલ' ધ્યાનમાં આવ્યું. ગોંડલના અક્ષયકીર્તિસંપન્ન મહારાજા ભગવતસિંહજીએ સેવેલું અને ધરતી પર ઉતારેલું એક સ્વપ્ન. સ્વપ્નદૃષ્ટાઓ જ એકબીજાને સમજી શકે અને સાચી કદર કરી શકે. સાંકડા ઘરમાં ગમે એટલું વિશાળ હૃદય હોય તો પણ માણસ ક્યાંથી આ દળદાર નવ ગ્રંથો સમાવી શકે? રસ્તો કાઢવો જ રહ્યો. રતિલાલભાઈએ પોતાના અમદાવાદના કાર્યાલયમાં કામ કરતા અશોક કરણિયા અને તેમના સાથીઓને ભરોસે ભગવદ્ગોમંડલને ડિજિટલાઈઝ્ડ કરવાનું બીડું ઝડપ્યું. પરવાનગીઓ મેળવી અને કામનો આરંભ કર્યોં. વરસ પૂરું થતાં થતાંમાં તો એ પૂર્ણ થઈ ગયું અને હવે આગળ શું ? એ પ્રશ્ન ઊભો થયો.
પરંતુ કાર્ય સંપન્ન થયાની ક્ષણ પારખીને રતિલાલભાઈ ચંદરયાએ જોયું કે ભાષાનું કામ તો નિરંતર ચાલ્યા જ કરે એ પ્રકારનું છે. ભાષા વાપરનાર અને એને પ્રેમ કરનાર પ્રજા પોતાનું કર્તવ્ય નિભાવશે. મારે હવે બે હાથ જોડીને 'ઈદં ન મમ' કહેવું ઘટે. શેષ આયુષ્ય જવાબદારીના બોજ વિના, બધું કામ મારે હાથે જ થાય એવા મોહમાંથી મુક્તિ મેળવીને ગાળવું અને યથાશક્તિ યથામતિ જે કંઈ આજ લગી થઈ શક્યું તેને લોકાર્પણ કરવું એ જ સાચો માર્ગ છે. આજે તેઓ આ માર્ગે પ્રયાણનું આદરે છે ત્યારે આપણે એમનું ઋણ સ્વીકારીને હૃદયના ઊંડાણથી પ્રાર્થીએ 'શિવાસ્તે પંથાન:'
ભગવતસિંહજી અત્યારે વિદ્યમાન નથી પરંતુ તેમનું સ્મરણ માત્ર આપણને પાવન કરે અને કર્તવ્યની નવીનવી કેડીઓ ચીંધે એવું છે. આવા પ્રજાવત્સલ, મૌલિક વિચારસરણી ધરાવનાર, દેશભક્ત અને વિદ્યાવ્યાસંગી રાજવીઓ જો વધારે સંખ્યામાં આપણને મળ્યા હોત તો કદાચ આપણે લોકશાહી તરફ ઢળ્યા ન હોત. પરંતુ કાળનું ચક્ર પોતાની આગવી ગતિએ ફર્યા કરે છે. આપણે નથી એને રોકી શકતા, નથી પાછું ફેરવી શકતા. પણ જુઓ તો ખરા, ગોંડલની પ્રજાને આ કેવા રાજા મળ્યા હતા !
રાજ્યની આવક લગભગ એંસી લાખ લગી પહોંચાડવા છતાં તેઓ માત્ર બાર હજાર રૂપિયાનું સાલિયાણું લેતા, વીજળીનું બિલ બીજા નાગરિકોની જેમ જ ભરતા, પોતાના કુંવરોને નોકરી કરાવીને ઘટે એટલો જ પગાર આપતા - માન્યામાં આવે છે ? સાદો પહેરવેશ, કરકસરભરી રહેણીકરણી, કન્યાકેળવણીને ઉત્તેજન, ફરજિયાત પ્રાથમિક શિક્ષણ, વૃક્ષોની જાળવણી, ગર્વનર જનરલ વધારાના બે દિવસ ગોંડલમાં રહ્યા તો તેનું બિલ મોકલવાની નિર્ભયતા - શું શું યાદ કરીએ અને શું ભૂલી જઈએ ?
જોકે આજના દિવસે તો ખાસ યાદ રાખવા જેવો છે તેમનો વિદ્યાપ્રેમ 'ભગવદ્ગોમંડલ' જેવા અદ્વિતીય જ્ઞાનકોશની કલ્પના અને એને મૂર્તિમંત કરવાની ધગશ માટે એકેએક ગુજરાતી એમનો ઋણી રહેશે.
આ કોશ પાછળ એમણે માત્ર પૈસા નહોતા ખર્ચ્યા, પોતાની જાત ખરચી હતી. કોઈ પણ નવો શબ્દ છપાયેલો હોય તો આંખે ચડે, બોલાયેલો હોય તો કાન ચમકે. એનો અર્થ જાણ્યા વિના કેડો ન મૂકે. કોઈ પણ નવો શબ્દ આપનાર કે શબ્દનો નવો અર્થ શોધી લાવનારને પુરસ્કારનો એક આનો આપતા. કોઈને મોંએ નવો શબ્દ સાંભળે ત્યારે કાગળ હાથવગો ન હોય તો પોતાના અંગરખાની ચાળ પર પણ લખી લેતા. 'ઈંદ્રગોપ' શબ્દની પૂરી સમજણ પડે એટલા માટે એ જીવડાંની આકૃતિ બરાબર દોરાય તે સારુ બાહસમાં એને પૂરી લાવેલા એમ જ 'બાઘડ' નામનું જીવડું કાંટાળી ઝાડીમાં જોયું તો જાતે અંદર જઈને પકડી લાવેલા. આવા જ્ઞાનપિપાસુ રાજાને હાથે જ આવું ભગીરથ કાર્ય સંપન્ન થાય ને !
હું તો માનું છું કે આજના જમાનામાં સહેલાઈથી ઉપલબ્ધ સામગ્રીઓને જરાતરા હેરફેર સાથે જુદા ઢાંચામાં ઢાળીને શોધનિબંધ તૈયાર કરતા વિદ્યાર્થીઓ અને તેમના મોટા પગાર મેળવતા પ્રૉફેસરોએ આ વિદ્યાપ્રેમી રાજવીને પ્રેરણાસ્રોત માનીને તેમની તસવીરનું રોજ દર્શન કરવું જોઈએ અથવા તેમાં એકવિધતા લાગતી હોય તો તેમના અનન્ય ગ્રંથનાં પાંચેક પાનાંનું રોજ અધ્યયન કરવું જોઈએ. અલબત્ત, ગુજરાતી ભાષાનો વિધિપુર:સર અભ્યાસ કરનારાઓને ઉદ્દેશીને જ આ બોલું છું; પણ મને ખાતરી છે કે અન્ય ભાષાભાષીઓને તથા જ્ઞાનનાં બીજાં ક્ષેત્રોમાં અભ્યાસ કરનાર વ્યક્તિઓને પણ ભગવતસિંહજીના જીવનમાંથી ઘણી પ્રેરણા મળી શકે.
આજના દિવસે એમણે કરેલા જ્ઞાનોપાર્જનના કાર્યને ચિરસ્થાયી અને આધુનિક સ્વરૂપ બક્ષનારા શ્રી રતિલાલભાઈ ચંદરયાને અભિનંદન આપતી વખતે 'ભગવદ્ગોમંડલ'ની રચનાનો પ્રચંડ પુરુષાર્થ આદરનાર રાજા ભગવતસિંહને પણ નમ્રભાવે પ્રણામ કરીને આપણે ચાહેલી, આપણી પ્રિય ગુજરાતી ભાષાને માત્ર જિવાડવાનો નહીં; પણ એને નવપલ્લવિત કરીને જગતની શ્રેષ્ઠ ભાષાઓમાં સ્થાન અપાવવાનો આપણે સૌ સંકલ્પ કરીએ. શુદ્ધ સંકલ્પ હશે તો પરમાત્મા જરૂર એની સામે મીઠી નજરે જોશે.
- ધીરુબહેન પટેલ
‘ગુજરાતી સાહિત્ય પરિષદ’નાં ભૂતપૂર્વ પ્રમુખ અને પ્રસિદ્ધ લેખિકા
‘સન્ડે ઈ–મહેફીલ’ – વર્ષઃ ચોથું – અંકઃ 163 – April 12, 2009
‘ભ.ગો.’ના સર્જકનું ટૂંકું પ્રવચન અને આભારદર્શન
સૌ પ્રથમ તો ઉપસ્થિત આદરણીય ધીરુબહેન પટેલોનો હું અંતઃકરણપૂર્વક આભાર માનું છું કે જેમના સહકારથી ‘ગુજરાતીલૅક્સિકોન’ અને‘ભગવદ્ગોમંડલ’નું મારું સ્વપ્ન સાકાર થયું, એમનું માર્ગદર્શન અને પ્રેરણા અમને સતત મળતાં રહ્યાં; જેથી આ બન્ને સાઇટોનું કામ સરસ રીતે થઈ શક્યું.
મીડિયાના સૌ મિત્રોને મારે કહેવાનું કે મને પોતાને અને વિદેશમાં રહેતાં મારાં અને મારા જેવા અનેકોનાં બાળકોને ગુજરાતી વાંચવા અને લખવામાં પડતીતકલીફો જોઈને મને વિચાર આવ્યો હતો કે આપણી મોંઘેરી ભાષા માટે કંઈક કરવું તો પડશે અન્યથા નવી પેઢી તેમની માતૃભાષા લખી અને વાંચી શકશે નહિ.
દેશવિદેશ વસેલી સાડા પાંચ કરોડ જેટલી ગુજરાતી જનતા સુધી પહોંચવાની મારી નેમ છે. ભવિષ્યમાં દરેક ઘરમાં કમ્પ્યૂટર હશે ત્યારે આ માહિતી દરેકનેમાટે મહત્ત્વની સાબિત થશે. તથા આ માધ્યમથી બાળકો ગુજરાતી ભાષા અને સાહિત્ય સુધી પહોંચી શકશે. બસ, આ સંદેશ ફેલાવવા હું તમારો સહકાર વાંછું છું.
‘ભગવદ્ગોમંડલ’નો લાભ ગામેગામના યુવાનોને મળે તે માટે આપણે સૌ કટિબદ્ધ થઈએ. હું તો તમામ પ્રયત્નો કરું જ છું અને જીવીશ ત્યાં સુધી કરતોરહીશ.
મારા આ સ્વપ્નને લક્ષ સુધી પહોંચાડવા માટે હું ‘મૅગ્નેટ ટૅક્નોલૉજીસ’ અને તેની ટીમના સૌ સભ્યોનો આભારી છું.
–રતિલાલ ચંદરયા – અમદાવાદ – રામનવમી, તા. ૩-૪-૨૦૦૯
અક્ષરાંકનઃ મૈત્રી શાહ – maitri.shah@magnettechnologies.com
http://bhagvadgomandal.com/index.php?action=Gallery
Thanks...
‘સન્ડે ઈ–મહેફીલ’ – વર્ષઃ ચોથું – અંકઃ 163 – April 12, 2009
Download this as PDF sem-163-gazal-bhavesh.pdf